ઓછુ મતદાન કોને તારશે, કોને ડૂબાડશે?
ગઢડા(સ્વામીના) શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન
નિરૂત્સાહી અને નારાજ મતદારો મતદાનથી અલિપ્ત રહ્યા?
ગઢડા શહેરનું 54.3 % જેટલું મતદાન નોંધાયું : સમગ્ર બેઠકનું ૫૧% મતદાન
ગઢડા ઉમરાળા વિધાનસભાની અનામત બેઠક ઉપર ખાસ કોઈ ઉત્સાહ અને ઉત્તેજના ભર્યા રાજકીય માહોલ વગર એકંદરે સમગ્ર મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા પામ્યું હતું. આ બેઠક ઉપર કુલ પાંચ ઉમેદવારો નું ભવિષ્ય ઈ.વી.એમ. માં કેદ થતા હવે મતગણતરી બાદ જાહેર થનારા પરિણામો માટે ઉતેજના જણાઈ રહી છે.
ગઢડા બેઠક ઉપર એકંદરે વહેલી સવારથી મતદારો માં મતદાન માટે નિરુત્સાહ જોવા મળ્યો હતો. જે મતદાન બપોર પછી રાજકીય પાર્ટીઓ ની જહેમત બાદ વધ્યું હતું. વર્ષ ૨૦૧૭ માં સમગ્ર સીટ નું ૬૬% અને ગઢડા શહેરનું ૫૫% મતદાનની સરખામણીએ સમગ્ર સીટ ઉપર ૧૫% જેટલું ઘણા અંશે ઓછું મતદાન થયુ હોય તેમ જણાતા ત્રિપાંખિયા જંગમા ઓછુ મતદાન કોને ફળશે અને કોને નડશે તેવી રાજકીય ચર્ચાઓ નો માહોલ જામ્યો હતો. કારણકે આ ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગ થી ૭૦ ટકા જેટલુ મતદાન થવાની અપેક્ષા સામે કંગાળ મતદાન રહ્યું હતું. વર્ષ ૨૦૧૭ માં ગઢડા શહેરમાં 56.20% મતદાન નોંધાતા કોંગ્રેસ ના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જયારે આ ચૂંટણીમાં ગઢડા શહેરમાં ૫૪.૩% જેટલું મતદાન નોંધાતા એકંદરે મતદારો માં ઉત્સાહ નો અભાવ જણાયો હતો. ત્યારે મૌન ધારણ કરીને બેઠેલા અને મતદાનથી દૂર રહેલા મતદારોનો મિજાજ અને નારાજગી કોને ફળશે અને કોને નડશે તે મતગણતરી ના દિવસેજ ખબર પડી શકે તેવા ભર્યા નાળીયેર જેવી સ્થિતિ વચ્ચે દરેક ઉમેદવારોએ જીતવાની આશા વ્યક્ત કરી હતી. આ દરમિયાન વિકલાંગ, દિવ્યાંગ મતદારો ઉપરાંત સાધુ સંતોએ પણ મતદાન કરી ને ફરજ બજાવી હતી. સમગ્ર મતદાન પ્રક્રિયા ને શાંતિપૂર્ણ રીતે સફળ બનાવવા માટે સરકારી તંત્ર અને સુરક્ષા કર્મીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.