બોટાદમાં પોસ્ટ વિભાગ દ્વારા મતદાન જાગૃતિની નવતર ઝુંબેશ
ટપાલ પર “મતદાન કરવાનું ચૂકશો નહીં”નાં સંદેશ દ્વારા જન-જન સુધી “અવશ્ય મતદાન”નો સંકલ્પ પહોંચાડવાનો પ્રયાસ
રાજુભાઈ બારોટ બોટાદ દ્વારા- લોકશાહીના મહાપર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આગામી વિધાન સભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે વધુમાં વધુ મતદાન થાય તે માટે બોટાદની પોસ્ટઓફિસે અનોખી મતદાન જાગૃતિની ઝુંબેશ હાથ ધરી છે. જન-જન સુધી થતાં ટપાલ વ્યવહારમાં પોસ્ટ વિભાગે ટપાલ પર “મતદાન કરવાનું ચૂકશો નહીં”નો સંદેશ છાપી લોકોને મતદાન કરવા પ્રેરિત કરવાનાં પ્રયાસો હાથ ધર્યા છે. મહત્તમ લોકો લોકશાહીના મહા પર્વમાં પોતાનું યોગદાન આપે તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ અવસરમાં દરેક વ્યક્તિને મતદાન કરવાની પ્રેરણા મળે તેમજ મત દાનનાં દિવસે લોકો પોતાના અમૂલ્ય મતાધિકાર નો ઉપયોગ કરી લોકશાહીનાં અવસરમાં સહ ભાગી બને તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.