ગુરુકુલ અંકલેશ્વરમાં શ્રાવણ માસ નિમિત્તે બિલ્વપત્ર, કેસર જળથી અભિષેક, દૂધથી અભિષેક, થાળ તેમજ વિવિધ પુષ્પો દ્વારા ભગવાન ભોળાનાથનું પૂજન કરાયું.
જીઆઇડીસી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અંકલેશ્વરમાં બાળકોને નૈતિક શિક્ષણ પણ અપાય છે.
શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ અંકલેશ્વર એટલે જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારોનો સુભગ સમન્વય. શાળા દ્વારા નૈતિક શિક્ષણ (MORAL TEACHING) વિષય ચલાવવામાં આવે છે. જે અંતર્ગત બાળકોમાં સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. જેથી બાળક યંત્ર માનવ બનતા અટકે અને એના હૃદયમાં માયા, મમતા, પરોપકાર, પરસ્પર સહકાર, આદર, માતા-પિતાની સેવા, રાષ્ટ્રપ્રેમ જેવા સહજ માનવીય ગુણોનો વિકાસ થાય. આધુનિક શિક્ષણ પણ (SPIRITUAL QUOTIENT) (આધ્યાત્મિક બુદ્ધિમત્તાની) હિમાયત કરે છે. શાળાના મંદિરમાં તારીખ- ૨૮/૦૮/૨૦૨૩ ને સોમવારના રોજ શ્રાવણ માસ નિમિત્તે શાળાના ધોરણ – ૧૧-૧૨ સાયન્સ એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા દેવો કે દેવ મહાદેવને બિલ્વપત્ર, કેસરજળ અભિષેક, પુષ્પો તેમજ થાળ ધરવાનો પવિત્ર મનોરથ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને શ્રાવણ માસમાં અભિષેક, બિલ્વપત્ર આદિક દ્વારા પૂજા કરવાનું શું માહાત્મ્ય છે તે વિશે આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો શુભ હેતુ ભગવાન પ્રત્યે શ્રદ્ધા, સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને સંસ્કારોનું સાચા અર્થમાં સિંચન થાય એ હતો. સંસ્થાના વડા સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને શુભાશિષ પાઠવ્યા હતા. ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરીયા દ્વારા સાયન્સ એકેડેમીના હેડ અશોક વિરડિયા તેમજ ડૉ.પૂરવ તળાવિયા સહિત શિક્ષકમિત્રોના સહિયારા પ્રયાસને બિરદાવવામાં આવ્યા હતા.
અહેવાલ કનુભાઈ ખાચર