મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત અંકલેશ્વર ગુરુકુલ ખાતે ૭૭માં સ્વાતંત્ર્યપર્વની દબદબાભેર ઉજવણી.
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ૭૭માં સ્વાતંત્ર્યપર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે સંસ્થાના સંસ્થાપક સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજીના આશીર્વાદ સાથે સમારોહના મુખ્ય અતિથિ શ્રીસંજયભાઈ પટેલે રાષ્ટ્રધ્વજને વંદન કરી સલામી આપી હતી. ટ્રસ્ટી શ્રીકિશોરભાઈ પાનસુરીયા સહિતના મહાનુભાવો અને વાલીશ્રીઓ હાજર રહ્યા હતા. ગુરુકુલ પરિવારના વિદ્યાર્થીઓએ મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત દેશભક્તિ ગીત આધારિત નૃત્ય પ્રદર્શન કરીને પોતાની રાષ્ટ્રભક્તિના દર્શન કરાવી દેશ માટે પોતાનું અસ્તિત્વ ન્યોચ્છાવર કરી દેનારા વીરસપુતોને આદરાંજલિ આપી હતી. સ્વતંત્રતાની સાચી વ્યાખ્યા બતાવતા જયસ્વરૂપશાસ્ત્રીએ પોતાના વક્તવ્યમાં એવું કહ્યું હતું કે, આપણે ત્યારે જ સ્વતંત્ર થયા કહેવાય કે, જ્યારે બાળકને પોતાના માતા પિતા આધ્યાત્મિક વારસો અને મૂળ ભારતીય પરંપરાના દર્શન કરાવે, બાળકની આંગળી પકડીને ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક કેન્દ્રો સાથે જોડી ભૌતિક જીવનના જ્ઞાન સાથે અધ્યાત્મજ્ઞાન સંપાદન કરાવે અને બાળકને સાચા સંસ્કાર આપીને બાળકનું ઘડતર કરે, આપણે આઝાદ થયા પરંતુ આબાદ ત્યારે જ થશું કે, જ્યારે હર હિન્દુસ્તાનીના હાથમાં હુન્નર અને દિલમાં દેશદાઝની ભાવના હશે. કાર્યક્રમને ચાર ચાંદ લગાવવામાં દરેક ફેકલ્ટીના આચાર્યશ્રીઓ, સ્ટાફમિત્રો તેમજ વિદ્યાર્થીમિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર