“યોગ” એ માનવ જીવનની ઋષિ-મુનિઓએ આપેલી બહુમૂલ્ય ભેટ છે : શાસ્ત્રી જયસ્વરુપદાસ
ભારતીય ઋષિ-મુનિઓ-આચાર્યશ્રીઓ દ્વારા પ્રવર્તિત યોગ પરંપરાને જીવંત રાખનારા આપણા ભારતદેશના કર્મશીલ વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીના હિત સંકલ્પ સાથે દર વર્ષે 21 જુને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. યોગીવર્ય પતંજલિમુનિ વિરચિત યોગ સૂત્રમાં “अथ योगानुशासनम्” આ સૂત્ર એવું સુચવે છે કે, યોગ દ્વારા જ મનુષ્ય માત્ર શરીર પર અનુશાસન પ્રાપ્ત કરી શકે છે. યોગના હિમાયતી એવા ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ તત્કાલીન નંદસંતોને યોગકળા શીખવીને સમાજને સ્વસ્થ અને સુંદર રહેવાનો રાહ ચીંધ્યો હતો. યોગની વિરાસતને આગળ ધપાવતા અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત અમારી અંગ્રેજી માધ્યમ શાળા, (CBSE, GSEB) ગુજરાતી માધ્યમ શાળા તેમજ બી.એડ્. કોલેજના વિદ્યાર્થીઓએ યોગાસનો કરીને યોગદિવસને સંપૂર્ણ ન્યાય આપ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના વડા કૃષ્ણરૂપ શાસ્ત્રીજી, ટ્રસ્ટી જયસ્વરૂપ શાસ્ત્રી, ટ્રસ્ટી કિશોર સરે સૌને યોગદિવસની શુભકામનાઓ પાઠવી હતી. દરેક ફેકલ્ટીના આચાર્યશ્રીઓ દ્વારા યોગની મહત્તાને સમજાવવામાં આવી હતી. આચાર્યશ્રીઓ સહિત સ્ટાફગણે પણ યોગાસનો કરીને સમાજને તંદુરસ્ત રહેવાનો સંદેશ પાઠવ્યો હતો.
અહેવાલ કનુભાઈ ખાચર