બોટાદના આંગણે ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તથા BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર, બોટાદનો પાટોત્સવ વિધિ
ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ એટલે મંદિર, શાસ્ત્ર અને સંત..
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે 1200થી અધિક મંદિરોનું નિર્માણ કરીને ભારતીય સનાતન સંસ્કૃતિનું રક્ષણ, પોષણ અને સંવર્ધન કર્યું છે.
તે જ રીતે સાંપ્રત સમયે પ.પૂ. મહંત સ્વામી મહારાજ પણ મંદિર નિર્માણ દ્વારા સંસ્કૃતિ સંવર્ધન કરી રહ્યા છે.
ટુંક સમયમાં, બોટાદ નગરના ગઢડા રોડ સ્થિત નૂતન BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ પ્રતિષ્ઠા મહોત્સવ તથા BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર, બોટાદના 33મા પાટોત્સવ નિમિત્તે 6 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા. 27 થી 29 મે દરમ્યાન દરરોજ રાત્રે 8.30 થી 10.00 સુધી BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂ. સોમપ્રકાશ સ્વામી પોતાની રસાળ શૈલીમાં શ્રીહરિલીલામૃત ગ્રંથ પર સંગીતમય પારાયણનો લાભ આપશે.
29 મે 2023ના રોજ બોટાદ મંદિરના 33મા પાટોત્સવ ઉપક્રમે સવારે 7.30 કલાકે મહાપૂજા વિધિ તથા સવારે 9.00 કલાકે અન્નકૂટ આરતી થશે. તે દિવસે બપોરે 12.00 સુધી ઠાકોરજીના અન્નકૂટ દર્શનનો લાભ પ્રાપ્ત થશે. 30 મે 2023ના રોજ રાત્રે 8.30 થી 10.00 દરમ્યાન સારંગપુરના સંગીતજ્ઞ સંતો દ્વારા ભવ્ય કીર્તન આરાધના રજૂ થશે.
31 મે 2023ના રોજ બપોરે પ્રતિષ્ઠિત થનાર શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, શ્રીગણપતિજી તથા શ્રીહનુમાનજીની ભવ્ય અને દિવ્ય નગરયાત્રાનો લાભ પ્રાપ્ત થશે.
એ જ રાત્રે 8.30 થી 10.00 દરમ્યાન ‘મંદિરમાં પ્રભુ બિરાજે છે’ અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ થશે.
1 જૂન 2023ના રોજ સાંજે 4.00 કલાકે પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે ઠાકોરજીની મહાપૂજા અને સાંજે 5.30 કલાકે વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ. પૂ. મહંતસ્વામી મહારાજના કરકમળથી પ્રતિષ્ઠિત થયેલ શ્રીઅક્ષરપુરુષોત્તમ મહારાજ, શ્રી ગણપતિજી અને શ્રી હનુમાનજીની મૂર્તિની સ્થાપન વિધિ સંસ્થાના સદ્ગુરુવર્ય સંત પૂ. વિવેકસાગર સ્વામી અને પૂ. જ્ઞાનેશ્વર સ્વામી (કોઠારી સ્વામી, સારંગપુર) ના વરદ હસ્તે થશે. ત્યારબાદ 5.45 થી 7.00 દરમ્યાન પ્રતિષ્ઠા મહોત્સવની મુખ્ય સભાનું આયોજન કરવામાં આવેલ છે. તો આ તમામ માંગલિક પ્રસંગોમાં પધારવા અને લાભ લેવા માટે સંત નિર્દેશક પૂ. વિનમ્રસેવા સ્વામી તથા બાળપ્રવૃત્તિ સંત નિર્દેશક પૂ. પ્રિયકીર્તન સ્વામી દ્વારા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે. આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે બોટાદ વિસ્તારના કાર્યકરો અને હરિભક્તો સખત અને સતત જહેમત ઊઠાવી રહ્યાં છે.