અખાત્રીજના પવિત્ર દિને શ્રીલોયાધામ મંદિર દ્વારા “શ્રી ઘનશ્યામ પદયાત્રા”
શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા પૂજયપાદ ગુરુજી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તારીખ 22-4-2022 શનીવારના રોજ પવિત્ર અખાત્રીજના શુભ દિને ગામ:બોડીથી લોયાધામ સુધી “શ્રી ઘનશ્યામ પદયાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીમદભાગવત આદિક શાસ્ત્રના આધારે જે કંઈ દાન, વ્રત, તપ આદિક ધાર્મિક કર્મ અક્ષયતૃતીયાના દિવસે કરે છે એનુ ફળ અક્ષય એટલેકે અવિનાશી બને છે. એ ન્યાયે
બાલુડા શ્રીધનશ્યામ મહારાજની પ્રસન્નતા રૂપી અક્ષય ફળ પ્રાપ્ત કરવા માટે શ્રી લોયાધામની આજુ બાજુના જેમકે બોડી, લીંમ્બોડા, કુંડલી, ચુડા,ઉમરાળા, બોટાદ, કૃષ્ણનગર વગેરે ગામના લગભગ 125 થી વધારે ભક્તોએ પદયાત્રામાં જોડાઈને આજનો દિવસ સાર્થક બનાવ્યો અને ખૂબ જ ધન્યતા અનુભવી હતી.
શ્રીલોયાધામના સંતોએ પદયાત્રા દરમ્યાન ભજન, કીર્તન અને કથાપ્રવચનનો ભક્તોને લાભ આપી પદયાત્રાને ભક્તિમય બનાવી હતી. નીજ મંદિર સૂરાબાપુ ખાચર ના દરબારગઢમાં પદયાત્રાની પૂર્ણાહૂતી થઈ હતી. પૂજય પાદ ગુરુજીએ વિદેશથી ઓડીયો આર્શિવાદ આપતા જણાવ્યુ કે, “પદયાત્રામાં પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્યરૂપી ફળ મળે છે. આજે આપણે શ્રી ઘનશ્યામ મહારાજના રાજીપારૂપી અવિનાશી ફળ કમાણા.” ખેડૂતવર્ગ માટે આજના વિશેષ દિવસે લોયાધામથી બિયારણ પ્રસાદીનુ કરીને અપાશે જે કાર્ય ખૂબ જ પ્રસંશનીય છે. ત્યારબાદ સંતો-ભક્તો શ્રી લોયાધામ નૂતન મંદિરની પ્રથમ છત (સીલીંગ)નાં સ્થાપન અર્થે પૂજનના સાક્ષી બન્યા હતા. પવિત્ર ભૂદેવના વૈદિક મંત્રોના ગાન સાથે પૂજય મહંત સ્વામીના શુભહસ્તે પ્રથમ છતનું પૂજન થયું હતું.અને નૂતન મંદિરમાં પ્રથમ છતનુ વિધિવત સ્થાપન થયું એ અક્ષયતૃતીયાનો આજનો દિવસ શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય એવં શ્રીલોયાધામ પરિવાર માટે ખૂબ જ ઐતિહાસિક બન્યો હતો.
અહેવાલ કનુભાઈ ખાચર