તીર્થધામ સારંગપુરમાં શ્રીસ્વામિનારાયણ જ્યંતીનો ભવ્ય મહોત્સવ
• પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ જયંતિ તથા શ્રીરામ જયંતિનો મહોત્સવ યોજાયો.
• પ.પૂ. મહંતસ્વામી મહારાજની નિશ્રામાં 7000થી વધુ ભક્તો અને 400થી વધુ સંતોએ લીધો ઉત્સવનો લાભ.
• લાખો ભક્તોએ સભાનો ઓનલાઇન લાભ લીધો.
ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આજના દિવસે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે જન્મ ધારણ કરીને રામરાજ્યનું સ્થાપન કર્યું હતું. છપૈયા ગામમાં પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણે જન્મ ધારણ કરી આ ધરા પર ધર્મનું સ્થાપન કર્યું. તીર્થધામ સારંગપુર ખાતે ભગવાન સ્વામિનારાયણનો ૨૪૨માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
વહેલી સવારથી BAPS સ્વામિનારાયણ મંદિર, સારંગપુરનું પ્રાંગણ અનેક હરિભક્તોથી છલકાતું હતું. BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજ પણ હાલ સારંગપુર વિરાજતા હોવાથી આ શુભ પર્વનો આરંભ જ તેઓનાં પૂજાદર્શનથી સવારે 6:30 થયો,જેમાં અનેક ભક્તો-ભાવિકો ઓનલાઇન જોડાયા હતા. આશીર્વાદમાં તેઓએ જણાવ્યું કે, ‘કોઈ ભગવાનના અર્થે એક ગણી પ્રીતિ કરે છે ત્યારે ભગવાન ભક્તને અર્થે કરોડ ગણી પ્રીતિ કરે છે. શ્રીજી મહારાજ ભક્તવત્સલ હતા. સોનાના મહેલ હોય પણ ભગવાન ગરીબના ઝૂંપડામાં પણ પ્રેમથી રહેતા હોય છે. ભગવાન ભાવના ભૂખ્યા છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ બપોરે ૧૨ વાગે શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં શ્રીરામ ભગવાનની આરતી ઉતારી તેમને અર્ઘ્ય અર્પણ કરવામાં આવ્યું. સાથે મંદિરમાં ભગવાનની મૂર્તિઓ આગળ વિશેષ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.
ઉત્સવની મુખ્ય સભા સાંજે 7:45થી રાત્રે 10:30 સુધી ભવ્યતા-દિવ્યતાથી ઊજવવામાં આવી. જેમાં સંગીતના સુરોની મધુરતા અને ઘણાં વિદ્વાન સંતોની વિદ્વત્તા વિવિધ કાર્યક્રમો દ્વારા જાણવા-માણવા મળી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુહરિ શ્રીમહંતસ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં આરતિ બાદ ગવાનારા અષ્ટક તરીકે નૂતન અષ્ટકની ભેટ પણ આજે જ સૌને મળી. સદ્ગુરુ વર્ય પૂજ્ય વિવેકસાગર સ્વામી સાથે સંસ્થાના વરિષ્ઠ સંતો પૂજ્ય નારાયણમુનિ સ્વામી, પૂજ્ય ભક્તિસાગર સ્વામી, પૂજ્ય આદર્શજીવન સ્વામી, પૂજ્ય જ્ઞાનનયન સ્વામીએ પણ આ નૂતન અષ્ટક ઉપર સુંદર મનનીય પ્રવચન કર્યા. સ્વયં સ્વામીશ્રીએ પણ આશિષ અર્પ્યા.
કાર્યક્રમના અંતમાં પૂજ્ય આદર્શજીવન સ્વામી દ્વારા લિખિત ગ્રંથ ‘‘પ્રમુખસ્વામી મહારાજ જીવનચરિત્ર’’નાં ८મા ભાગનું વિમોચન ગુરુહરિ શ્રીમહંતસ્વામી મહારાજ દ્વારા થયુ. એ જ ક્રમમાં નૂતન ઓડિયો આલ્બમ, ઉડિયા ભાષામાં ‘ભગવાન સ્વામિનારાયણ દિવ્ય જીવનગાથા’ ગ્રંથ તથા ‘નીલકંઠ સહસ્રનામાવલિ’ આદિ ગ્રંથોનું વિમોચન પણ થયું. અંતે સૌ સંતો-ભક્તોએ હારતોરા દ્વારા સ્વામીને વધાવ્યા ને 10:00 વાગ્યે ભગવાન સ્વામિનારાયણ જન્મોત્સવના કીર્તનોની રમઝટ શરૂ થવા લાગી.
આજે 7000થી વધુ ભક્તો અને ૪૦૦થી વધુ સંતોએ આ મહોત્સવનો પ્રત્યક્ષ લાભ લીધો. લાખો ભક્તોએ ઓનલાઇન આ સભાનો વિશેષ લાભ લીધો હતો. ખરેખર, સમગ્ર દિવસ દરમ્યાન BAPS સંસ્થાના લાખો ભક્તોએ કરેલ નિર્જળા ઉપવાસ અને સભામાં કરેલુ કથાવાર્તાનું શ્રવણ આદિ સૌને અહોભાવ ઉપજાવે છે, જે ભગવાન સ્વામિનારાયણના ચરણે તેઓના જન્મોત્સવે ભક્તોની યથાર્થ શ્રદ્ધાંજલિ છે.